Posts

Showing posts from September, 2012

રાસ કોઈ નાચ નથી

રાસ શબ્દ સાંભળીએ એટલે એક નૃત્યનો ખ્યાલ આવે છે. એટલે આપણ ને લાગે કે ભગવાન શ્રી કૃષ્ણ એ ગોપીઓ સાથે આવો નાચ કર્યો હશે. ખોટી વાત. એ બધા ચિત્રો પણ ખોટા. રાસ એ નાચ નથી. કુંડલીની જાગૃત થયા પછી નું વૈશ્વિક શક્તિનું દિવ્ય નર્તન તે રાસ. શરીરનો નાચ નથી. રાસલીલા વખતે કૃષ્ણ પુરુષ નથી અને ગોપીઓ સ્ત્રીઓ નથી. આ જીવાત્માનું પરમાત્મા સાથે નું મિલન છે. અને આત્માના સ્તરે શરીરની જાતિ મહત્વની બનતી નથી. રાસ એ અશરીરી પ્રેમ છે. આપણે પ્રેમને માત્ર શરીર સાથે જોડ્યો છે. પ્રેમ જ્યારે કેવળ શરીર સાથે જોડાય ત્યારે તે પ્રેમ નથી રહેતો તે વાસના માં અધઃપતિત થતો હોય છે. વાસના ને માત્ર શરીર સાથે સંબંધ છે. પ્રેમ એ મનનો વિષય છે. અને એ પ્રેમ જ્યારે ઉચ્ચગતી પામે, દિવ્યતાને પામે ત્યારે એ ભક્તિ બને છે. અને ભક્તિ એ આત્માનો સંબંધ છે. રાસ એ ભક્તિનો પ્રકાર છે. રાસ એ ભક્તિની ઉચ્ચ અવસ્થા છે. રાસ એ ભક્તિ માર્ગનું ઉચ્ચતમ શિખર છે. પ્રત્યેક ભક્તના હ્રદયની સોનેરી ઇચ્છા, ક્યારે મારી એવી યોગ્યતા થાય અને ક્યારે મને શ્રીકૃષ્ણ સાથે રાસનો અનુભવ થાય. આ પ્રત્યેક ભક્તનું મધુર સ્વપ્ન છે. - પરમ પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા ના સત્સંગથી પ્રાપ્ત