અમે વણજારા


ખાલી જગ્યા જોઈને પચાવી પાડો છો, ચાલો નીકળો અહિંયાં થી. કોને ખબર ક્યાં ક્યાંય થી આવી ને જમા થઈ જાય  છે.

સ્તબ્ધ થઈ ગયેલા ત્રીસ થી પાંત્રીસ લોકો નિરાશાના વંટોળ સાથે ચિંતાની ધૂળથી ઘેરાઈ ગયા. બાળકોને કાંઈ ખબર નથી માસૂમ ચહેરાઓ સ્મિતથી છલકાઈ રહ્યા છે, અને માટી સાથેનો તેમનો પ્રેમ અનોખો છે. ઘણા સમયથી અહીં રહેતા રહેતા આસ પાસની ધરતી અને લોકો માટે એક સુંદર લગાવ થઈ ગયો હતો. ખાસ જોઈને ગામની ભાગોળે આ જગ્યા પર રહેવાનો નિર્ણય કર્યો હતો. અહીં કોઈને નડીશું નહીં અને ગામમાંથી જોઇતી જીવન જરૂરિયાતની સામગ્રી પણ મળી રહેશે, તથા કોઈ નાનું મોટું કામ પણ મળશે તો બે પૈસા કમાવવાના પણ થઈ જશે. આ વિચારો સાથે અહીં આવી ને વસવાનું નક્કી કર્યું હતું. અહીંના વડા, અનુભવી અને કુશળ લુહાર હરમનસંગને ક્યાં ખબર હતી કે શહેરમાં હવે માણસો માટે જગ્યા નથી.

નિરાશ મને બીજે ગામ જવાની તૈયારી કરવા વણજારા પોત પોતાની ઝૂંપડી તરફ ભારે મનથી આગળ વધ્યા. જીવા ગધેડાઓને પાછાં વાળો, સામાન લાદવો છે. ખૂબ મહેનતથી બનાવેલી ઝૂંપડીઓને જે હાથોએ સજાવી હતી તે  આજે વિખેરી નાખશે. ક્યાં જાશું ? ક્યાં રહીશું ? કાંઈ જ ખબર નહતી આજે. બસ અહીંથી જવું પડશે તે ખબર છે.

વાંસને વાળીને જમીનમાં ખોપી દઈ એવા ત્રણ વાંસ ને લાઈ થી ત્રણ-ચાર ફૂટના અંતરે લગાવીને છાપરી તૈયાર કર્યું હતું. લીંબડાના જાડા ડાળાં થી માટલું મૂકવા માટે પાણીયારુ બનાવ્યું  હતું. અને ગોદડાં મૂકવા માટે પણ એવી જ રીતે લાકડાઓથી એક માળખું તૈયાર કરી તેની ઊપર આડા વાંસ મૂક્યા હતા. જમીન પર માટી અને છાણથી લીંપીને સરસ તળીયુ ને આંગણા જેવું બનાવ્યું હતું. તેની પાછળ ચાર લાકડાઓ રોપી થોડું આડુ રહે તેમ સ્નાન કક્ષ જેવું બનાવ્યું હતું. આ બધું અવેરતા અવેરતા લગભગ પંદર થી વીસ દિવસ લાગ્યા હતા. હવે ફરી આ કરવાનો સમય આવી ગયો. આમ તો હવે આનું પુનરાવર્તન એટલી બધી વખત થઈ ગયું છે કે, ક્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવાસ શરૂ થઈ જાય તેની બહુ ખાસ ખબર પડતી નથી. પણ જ્યારે જગ્યા શોધવાનું કામ ચાલે ત્યારે ખાસ ચોક્કસાઈ પાણી અને ઘર વપરાશની ચીજ વસ્તુઓ સહેલાઈ થી મળી રહે તે જોવું જરૂરી છે.

બાળકોને ક્યારેય શાળામાં દાખલ કરવાની ઇચ્છા કે વિચાર કર્યો જ નથી કેમકે, આજની જેમ ક્યારે ક્યાં જવું પડે કંઈ ખબર રહેતી નથી. આમ તો  દરેક ગામ અને શહેરમાં શાળાઓ છે. પણ અમારા જેવા લોકો , વણજારા માટે કાંઈ વ્યવસ્થા છે નહીં. જો અમને દરેક શાળામાં દાખલો આપવામાં આવે તો અમે જે ગામ જઈએ અમારે બાળકોને ભણાવવાની ચિંતા નહીં. અમારા બાળકો પણ ભણ્યા વગર મોટા થઈને અમારી જેમ જ ભટકતું જીવન વિતાવવા માટે મજબૂર હોય છે.

વાંસ બધા જાળવીને લેજો. કોઈ ચીજ રહી ના જાય . છોકરાઓ બધા આવી ગયા ને . હા . મનબહાદૂરસંગ ઘેટાં લઈને આવવાનો હતો, કોઈ મારો ઘોડો લઈને જાવ તો. એને પાછો બોલાવો. એ ગોદડીઓ માટે અલગ ગાડું રાખ્યું છે તેમાં મૂકો. હા વાસણો બધા ત્યાં જવા દો. ચાલો છોકરાઓ હવે કોઈ ધમાલ કરશો નહીં તારી બા ને મદદ કર. એ જીવા..... જીવા..... ચાલ ઊભો થા હવે, આપણે વળી ગામનો કે જગ્યાનો મોહ કેવો. આમ હારી જવાથી થોડું ચાલશે. ઊભો થા મારા ભાઈ ધરતી આપણી મા છે અહીં નહીં તો બીજે એનો ખોળો આપણા માટે રાહ જોતો હશે. વિચાર કર નહી મારા દોસ્ત એ હીંચકો ઉતારી લે. બીજે બાંધજે.

જોત જોતામાં જગ્યા વસ્તીથી વિખૂટી પડી ગઈ ને ત્યાંથી માણસો પોતાની કિંમતી ચીજ વસ્તુઓ લઈ આગળ વધી ગયા. હવે માત્ર નિશાનીઓ રહી ગઈ, કે અહિં કોઈ ઘર હશે આ લીંપેલી જમીન. આ ચૂલાનો ધુમાડો. તૂટેલી માટલી ના ટૂકડા. આ ચબૂતરો અને ચાટ. કોણ હવે એ મૂંગા પક્ષીઓને અહીં ચણ ને ચાટ માં એંઠવાડ નાખશે?

આ ધરતી બની ત્યારે તેનું કોઈ માલિક ન હતું. પણ અત્યારે દરેક પૃથ્વીના ખૂણે ખૂણામાં માલિક બની ગયા છે. તેમને ખબર નથી કે સામેના લોકો પર તેમના આ બે વાક્યની શું અસર હોય છે. તે વાક્યો બોલાયા પછી તેમના જીવનમાં આવનારા ફેરફારની તેમને કદાચ જાણ નથી અથવા તેમને પરવાહ નથી.

Comments

Popular posts from this blog

પ્રેમ અને નોકરી

પ્રેમ ને વહેવા દો…

અજાણતા...